
નવારતનપર
ભૂતકાળમાં જેના નામે અનેક અનેક ગોટાળા બોલે છે એવા ભાવનગર તાલુકાના નવારતનપર ગામના પૂર્વ સરપંચ રમેશ ગોહિલે ગામના વર્તમાન દલિત સરપંચ ગૌતમ બારૈયાને માર મારીને ગાળો આપ્યા બાદ એમ કહી દીધું કે તારે એટ્રોસિટી કરવી હોય તો કરી લે, એટ્રોસિટી કેમ થાય છે એ હું જોઉં છું અને હું તને હજી પણ મારવાનો છું”

જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર તાલુકાના નવા રતનપર ગામમાં ગ્રામ પંચાયત દ્વારા જુના પ્લોટ વિસ્તારમાં બ્લોક રાખવાનું કામ ચાલુ હતું તે દરમિયાન નવા રતનપરના વર્તમાન સરપંચ ગૌતમ બારૈયા સાથે પૂર્વ સરપંચ રમેશ ગોહિલને કોઈ જાતનો વાંધો પડ્યો હતો. અને આ વાતચીત બોલાચાલીમાં પરિણમી હતી અને એ બોલાચાલી અંતે લાફાવાળી ગાલી-ગલોચ અને મારવાની ધમકી સુધી પહોંચી ગઈ હતી. સરપંચ ગૌતમ બારૈયાએ આ ઘટનાને પગલે તુરંત પોલીસને બોલાવી હતી અને પોલીસ સમક્ષ સમગ્ર ઘટના જાહેર કરી હતી. જોકે સરપંચના પિતા હિંમતભાઈના પરિવારે આખરે ફરિયાદ નોંધાવાની હિંમત બતાવી ન હતી. સરપંચ જેવા સરપંચ પણ જો પોલીસ ફરિયાદ નોંધાવવાની હિંમત કરી શકતા ન હોય તો પૂર્વ સરપંચની દાદાગીરી કેટલી મજબૂત હશે તે અંગે અનેક તર્ક વિતર્ક વહેતા થયા છે.

શેમાંથી ડખો થયો? બ્લોક બ્લોક બ્લોક??!
નવારતનપર ગ્રામ પંચાયત દ્વારા વિવિધ વિસ્તારમાં બ્લોક નાખવાની કામગીરી ચાલી રહી છે ત્યારે પૂર્વ સરપંચ રમેશ ગોહિલના ભાઈ કાળુભાઈ ગોહિલના ઘર પાસે બ્લોક નાખવામાં આવી રહ્યા હતા તે વખતે પંચાયત તરફથી કાળુભાઈને અમુક સૂચના મળતા તેમાંથી ડખો ફાટી નીકળ્યો હતો. સરપંચ અહીં બ્લોક નાખવા માંગે છે અને પૂર્વ સરપંચનો પરિવાર આ બ્લોકનું કામ બ્લોક કરી દેવા માંગે છે. બીજી તરફ સરપંચ ગૌતમ બારૈયાની એટ્રોસિટીની ફરિયાદ નોંધાવાની વાત પણ લગભગ બ્લોક થઈ ગઈ છે.

પોચું ભાળે ત્યાં આંગળી ખૂતાડવાની રમેશની જૂની આદત
કોઈપણ જગ્યાએ પોચું ભાળે ત્યાં આંગળી ખૂતાડવાની રમેશની જૂની આદત છે. સામેવાળો માણસ ઢીલો પડે છે એમ જાણવા મળે તો પૂર્વ સરપંચ રમેશ વશરામ ગોહિલ પોતાની કહેવાતી મર્દાનગી બરાબરની ઉખેળે છે. બાકી પોતાના સરપંચ તરીકેના કાલખંડ દરમ્યાન તેણે એક સરપંચ તરીકે માથાભારે અને ભ્રષ્ટાચારી તત્વો સામે લડી લેવું જોઈએ તેવી અનેક સ્થિતિઓ સામે આવી હોવા છતાં તેણે માત્ર ને માત્ર કાયરતા બતાવી હતી. એના કારણે જ રમેશની રાજકીય કારકિર્દીનું પતન થયું હતું. પોતે કરેલા અને નહીં કરેલા કાર્યોમાં પોતાને હીરો બનાવીને મોટા મોટા બમગોળાની વાતો ઝીંકવાની રમેશને બહુ જ મોટી ફાવટ છે અને પોતે કરવા જોઈએ એવા કામ પોતે નથી કરી શક્યો એ વાત લોકોથી છુપાવવાની રમેશને ટેવ છે. બહુ લાંબા સમયથી રાજકારણમાંથી ફેકાઈ ગયેલા રમેશે વર્તમાન સરપંચ ગૌતમ એક સીધોસાદો દલિત છોકરો છે એવું જાણતો હોવાને કારણે પોતે મરદ હોવાની છાપ ઊભી કરવાની તક રમેશ ઝડપી લીધી હતી. બાકી રમેશના પરિવારને એક સમયે ગામ છોડવાનો પણ વારો આવ્યો હતો અને ગામમાં પ્રવેશવાના પણ ફાંફાં હતા તે વાત બહુ જ જાણીતી છે.

હજુ પણ રમેશ ગોહિલ ઉર્ફે સદા સામે જલદી રહેલી એટ્રોસિટીની ફરિયાદ
સરપંચ ગૌતમ બારૈયા ના પિતા હિંમતભાઈ અને તેમના પરિવારે માથાભારે રમેશ ગોહિલ ઉર્ફે સદા સામે ફરિયાદ નોંધાવાની હિંમત નથી કરી પરંતુ હજુ પણ ફરિયાદ નોંધાય તેવી સંભાવના છે. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ નહીં થઈ હોવાને કારણે સ્પષ્ટ પુરાવાના અભાવે ફરિયાદ નોંધવાનું ટાળવામાં આવી રહ્યું હોય તેવી ચર્ચા થઈ રહી છે.

